અમદાવાદ : શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ભાડા ખૂબ વધારે હોવાના કારણે મધ્યમ વર્ગીય લોકોને પોસાતાં નથી, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ લોકો બુકિંગ કરાવતા હોય છે ત્યારે આજે ગુરૂવારે મળેલી AMC સ્ટેન્ડિંગ કમિટીમાં નવા બનાવવામાં આવેલા જોધપુર, મક્તમપુરા અને ઇસનપુર વિસ્તારના 3 કોમ્યુનિટી હોલનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. સૌથી ઓછુ ભાડું ઇસનપુર કોમ્યુનિટી હોલનું 19000 જ્યારે સૌથી વધારે જોધપુરનું 50 હજાર નક્કી કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે શહેરમાં જોધપુર વિસ્તારમાં 4660 ચો.મી. જગ્યામાં એ.સી. કોમ્યુનીટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. બે માળના હોલમાં પ્રથમ માળ ભાડુ રૂ. 30 હજાર, બીજા માળનું 30 હજાર નક્કી કરાયું છે. બંને માળનું ભાડું રૂ. 50 હજાર રહેશે. મક્તમપુરા વિસ્તારમાં 4110 ચો.મી.માં બે માળનો કોમ્યુનીટી હોલ બનાવવામાં આવ્યો છે. પ્રથમ માળનું ભાડુ રૂ. 20 હજાર જ્યારે બીજા માળનું ભાડું રૂ. 25 હજાર નક્કી કરાયું છે. બંને માળ સાથે ભાડે લેનાર માટે પ્રતિદિન રૂ. 40 હજાર રહેશે.હોલમાં સફાઈનો ચાર્જ અલગથી લેવામાં આવશે. કોમ્યુનિટી હોલના ભાડા નક્કી થતાની સાથે જ આગામી દિવસોમાં નાગરિકો આ હોલનો ઉપયોગ કરી શકે તેના માટે બુકિંગ પણ શરૂ થશે.
આ બંને હોલમાં સફાઇ માટે અલગથી રૂ.3000 પ્રતિદિન નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઇસનપુર વિસ્તારમાં નવા બનેલા મલ્ટી એક્ટીવિટી સેન્ટરનું પણ દૈનિક ભાડુ નક્કી કરવામા આવ્યું છે. 744 ચો.મી. જગ્યામાં નાનો કોમ્યુનિટી હોલ હોવાના કારણે પ્રથમ માળનું ભાડુ રૂ.10 હજાર અને બીજા માળનું ભાડુ રૂ. 9 હજાર છે. જ્યારે બંને માળ સાથે રાખનાર માટે 19 હજારનો નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક માળ દિઠ રૂ.1000 જેટલો સફાઇ ચાર્જ વસુલવામાં આવશે.