અમદાવાદ: શહેરના નારણપુરા AEC બ્રિજ નજીક આવેલ ફિઝિયોથેરાપીસ્ટ ક્લિનિક પર સોમવારે વહેલી સવારે એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેના પૂર્વ મંગેતરે તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ થતાં યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાબતનું યુવતીને લાગી આવતા સતત ડિપ્રેશનમાં રહેતી અને અંતે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજ નજીક આવેલા એક ક્લિનિકમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ કરેલ 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી એ યુવક નાના ચિલોડાના રહેવાસી અને હોમિયોપેથિક ડોક્ટર હતો. જે કરાઈ પોલીસ એકેડમી નજીક પોતાનું ક્લિનિક ચલાવે છે…સગાઈ બાદ બંને એકબીજાને મળતા હતાં. ત્યારે યુવક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જો યુવતી ના પાડે તો તેની સાથે સગાઈ તોડી નાખવાની ધમકી આપતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.તેણે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં લાગી આવ્યું હતું. જેના પગલે યુવતીએ અંતિમ પગલું ભરી જીવનનો અંત આણ્યો હતો.
ત્રણેક મહિના પહેલા યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને પણ કરી હતી. પરંતુ અંતે યુવકે યુવતીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા દશેક દિવસ પહેલા યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને બોલાવીને આ બાબતની જાણ કરી હતી. જેથી તેમણે સગાઈ તોડી નાખી હતી. ત્યારથી યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી. સોમવારે વહેલી સવારે યુવતી શાહીબાગ એક પેશન્ટને ચેક કરવા માટે ગઈ હતી. ત્યારબાદ ઘણા દિવસથી નોકરીએ ગઈ ના હોવાથી નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ક્લિનિક પર પહોંચ્યા બાદ ફોન ના ઉપાડતા કે મેસેજનો જવાબ ના આપતા તેના માતા-પિતાએ અન્ય સ્ટાફ મારફતે ક્લિનિક પર તપાસ કરાવી હતી. જેમાં તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. યુવતીએ સુસાઇડ નોટમાં પણ યુવક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે લખ્યું છે કે ‘‘ઇન્ડિયામાં આવી ઘણી છોકરીઓ પર બળાત્કાર થતું હશે. એટલે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ.’’