અમદાવાદ : અમદાવાદમાં ડમ્પરચાલક બેફામ થયા છે, શહેરમાં ફરી એકવાર અકસ્માતના બનાવમાં નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં એક્ટિવા પર જતા યુવકને ડમ્પરે કચડી નાખ્યો હતો. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે સવારે એક્ટિવા લઇને એક યુવક વટવા કેનાલ તરફ પસાર થઈ રહ્યો હતો. તે સમયે ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં ડમ્પરના ટાયર ફરી વળતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ થયા બાદ આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા અને 108ને જાણ કરી હતી. પરંતુ યુવકનું મોત થયા બાદ ટ્રાફિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.
આ બનાવો અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો બનાવ નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે ડમ્પરના ચાલકની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અનેક વખત ડમ્પરની અડફેટે નિર્દોષ લોકોના મોત નીપજે છે. તે સમયે શહેરમાં ડમ્પરના અવરજવરને લઇને અનેક વિવાદો અગાઉ ઊભા થયા છે.
અમદાવાદ શહેરમાં બેફામ ઝડપે જતા ડમ્પરો કાળ બનીને અસંખ્ય લોકોનો ભોગ લઈ ચૂક્યા છે. ડમ્પર ચાલકો પર લગામ કસવામાં હાલ તો વહીવટી તંત્ર નિષ્ફળ જણાઈ રહ્યું છે. ડમ્પરોમાં પણ એસટી બસોની જેમ સ્પીડ લિમિટ મૂકવાની માગ પણ ઊઠી રહી છે. આ ઉપરાંત બેફામ વાહનો ચલાવી અકસ્માતો સર્જતા લોકોને કડક સજા અને ભારે દંડની જોગવાઈ કરવાની પણ લોકો માગ કરી રહ્યા છે.