અમદાવાદ : 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપી દેવામાં આવી છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ભૂલ ન કરે તે માટે શિક્ષણ બોર્ડે મહત્વની જાણકારી આપી છે. આ પરીક્ષા શું કરવું અને શું ન કરવું તે માટે બોર્ડ દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે.
ધોરણ-10 અને ધોરણ-12ના પરીક્ષાર્થીઓને શાળા તરફથી બોર્ડની પરીક્ષા આપવા માટેનું પ્રવેશપત્રમાં દર્શાવેલ વિષય, તારીખ, સમય અને જે-તે વિષયની પરીક્ષા માટે ફાળવાયેલ પરીક્ષા સ્થળના લોકેશનની જાણકારી મેળવી લેવી.
પરીક્ષાના અગાઉના દિવસે પરીક્ષા સ્થળ ખાતે સમય 2:30 PM કલાકથી 5:00 PM કલાક દરમિયાન પરીક્ષાખંડ જોઈ લેવો. પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં.
પ્રવેશપત્ર (Hall Ticket)માં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસસ્થાન વચ્ચેનું અંતર અને મુસાફરી માટેના સમયની ગણતરી કરી પરીક્ષા શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પહોંચવાનું સુનિશ્વિત કરી લેશો.
પ્રવેશપત્ર (Hall Ticket)માં દર્શાવેલ નિયમો માટેની પરીક્ષાનો સમય ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થળે પહોંચવું.
પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
S.S.C.E.ના ઉમેદવારો માટે:
ધોરણ-10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રોનો સમય 10:00 AMથી 10:15 AM કલાક વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10:15 AMથી 1:15 PM કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે.
વોકેશનલ કોર્સના વિષયના પ્રશ્નપત્રો 30 (ત્રીસ) ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રનો સમય 10:00 AM થી 10:15 AM કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10:15 AM થી 11:15 AM કલાક સુધી ઉત્તરો લખવા માટેનો રહેશે.
H.S.C.E. સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉતર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારો માટે :
જે પ્રશ્નપત્રો 100 ગુણના છે તે માટે કુલ સમય 3 કલાક 15 મિનિટનો સમય ઉત્તરવહી પરની વિગતો અને જવાબો લખવા માટે મળશે.
બપોરના સેશન માટે :
ધોરણ-12 માટે બપોરનું સેશન 3:00 PMથી 6:15 PMનું રહેશે.
3:00 PM થી 3:15 PM દરમિયાન ઉત્તરવહી પરની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા માટેનો રહેશે.
3:15 PM થી 6:15 PM દરમિયાન ઉત્તરવહીમાં ઉત્તરો લખવા માટેનો રહેશે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 3:00 PM થી 5:15 PMનો રહેશે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3:00 PMથી 5:15 PMનો રહેશે.
ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રના વોકેશનલ કોર્ષના વિષયોની પરીક્ષાનો સમય 3:00 PM થી 4:15 PMનો રહેશે.
H.S.C.E. વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના ઉમેદવાર માટે
પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે.
બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3:00 PM થી 3:15 PM નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A અને PART-Bના વાંચન માટે આપવામાં આવશે. જ્યારે 3:15 PM થી 4:15 PM OMRમાં PART-A ના જવાબો લખવા માટે આપવામાં આવશે.
4:15 PM થી 4:30 PM દરમિયાન PART-Aની OMR એકત્રિત કરવા તથા PART-B માટે ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ કરવાનો રહેશે.
4:30 PM થી 6:30 PM નો સમય PART-B ઉત્તરવહીમાં જવાબો લખવા માટે આપવામાં આવશે. 6:30 PM કલાકે પરીક્ષા પૂર્ણ થશે.
પરીક્ષાર્થીઓએ ધ્યાનમાં લેવાની બાબતો :
પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્થળ ખાતે શક્ય હોય ત્યાં સુધી બૂટ-મોજાં ના પહેરવા અને જો કોઈ પરીક્ષાર્થી બૂટ-મોજાં પહેરીને આવેલ હોય તો તેઓએ પરીક્ષાખંડ બહાર કાઢી પ્રવેશ આપવામાં આવશે.
ધોરણ-10 પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના કેલ્ક્યુલેટરના ઉપયોગ કરી શકશે નહીં, કે પરીક્ષાખંડમાં લઈ જઈ શકશે નહીં.
ધોરણ-12ના પરીક્ષાર્થીઓ સાદુ કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે. કોઈપણ સંજોગોમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ કરી શકશે નહીં.
પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષાર્થીએ પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધા કલાક પહેલાં પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
આટલું ન કરવું :-
પરીક્ષા સ્થળ ખાતે કોઈપણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક ગેજેટ, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, સ્માર્ટ વૉચ, મોબાઈલ ફોન વગેરે જેવા ઉપકરણો ન લઈ જઈએ.
ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય નહિ તેની ચકાસણી પરીક્ષા સ્થળમાં પ્રવેશતાં પહેલાં કરી લઈએ.
OMR ઉત્તરપત્રિકામાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી શાહીવાળી બૉલપેન સિવાય અન્ય કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરીએ.