અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે ચાલી રહેલ તકરારનો કરુણ અંજામ આવ્યો છે. વારંવાર થતાં ઝઘડાનું મૂળ કાઢી નાખવા માટે પાડોશીએ પત્ની અને અન્ય લોકો પાસે મળીને યુવકની હત્યા કરી દીધી. બાદમાં 20 કિલો મીઠું ખરીદીને ખાડો ખોદી મૃતદેહ દાટી દીધો. જોકે પોલીસે આરોપીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે અને પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જેમની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા પોલીસે મહાવીર શાહ, જાગૃતિ શાહ, અતુલ પટેલ, ઋષભ સાપરિયા અને સુનિલ ઠાકોરની કમલેશ તિવારી નામના 38 વર્ષના યુવકની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. ચાંદલોડિયામાં રણછોડ નગર ખાતે રહેતી પ્રતિભા તિવારી નામની મહિલાએ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો પતિ કમલેશ તિવારી ગોપીનાથ હોટલ ખાતે નોકરી કરે છે. તેઓને સંતાનમાં 5 બાળકો છે. ગત 18 ફેબ્રુઆરીએ તેઓનો પતિ કમલેશ તિવારી ઘરેથી બહાર ગયો હતો અને પરત ન આવતા 19 ફેબ્રુઆરીએ ગુમ થવા અંગેની સોલા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી.
પ્રતિભા તિવારીને પતિ ગુમ થવા બાબતે પહેલાથી પાડોશી મહાવીર શાહ અને તેની પત્ની પર શંકા હતી, જેથી પોલીસે શંકાના આધારે મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ શાહને બોલાવી પૂછપરછ કરતા શરૂઆતમાં તેઓએ કમલેશ તિવારી ગુમ થવા અંગે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. જોકે પોલીસની ભાષામાં કડકાઇથી પૂછપરછ કરતા પતિ પત્ની ભાંગી પડ્યા અને કમલેશ તિવારીની હત્યાનો પર્દાફાશ થયો.
આરોપીની તપાસમાં સામે આવ્યું કે કમલેશ તિવારીને તેની પાડોશમાં રહેતા મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતીબેન શાહ સાથે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. જેથી 18 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 1:00 વાગે સમાધાનની વાતચીત કરવા માટે આરોપીઓએ તેને ચાંદલોડિયા સેંધણી માતાના મંદિર ખાતે બોલાવ્યો હતો. કમલેશ તિવારી પોતાના મિત્ર ઋષભ સુપ્રિયાને જોડે લઈ ગયો હતો અને ઋષભ સાપરિયાએ પોતાના અન્ય મિત્ર સુનીલ ઠાકોરને સાથે રાખ્યો હતો. જ્યાંથી અતુલ પટેલની કારમાં બેસાડી તમામને ચાંદલોડિયા અંડર બ્રિજ પાસે અતુલ પટેલ પોતાના ખેતરમાં લઈ ગયો હતો.
જે ખેતરે મહાવીર શાહ તેની પત્ની જાગૃતિ શાહ બંને જણા બાઇક લઈને આવ્યા હતા. સમાધાનની વાતચીત દરમિયાન આરોપીઓ પૈકી અતુલ પટેલે તેનાં ખેતર પાસે ઝૂંપડામાં રહેતા ગમનારામ બાવરીને બોલાવી બપોરના સમયે કમલેશ તિવારીને ખેતરમાં આવેલા લીમડાનાં ઝાડ સાથે દોરડાથી બાંધી લાકડી અને ધારિયા જેવા હથિયારોથી માર માર્યો હતો. જેનાં કારણે તેનું મોત થયું હતું.
જે બાદ સાંજના સમયે કમલેશ તિવારીની લાશને સગેવગે કરવા માટે ખેતરમાં પહેલાથી ખોદેલા ખાડામાં દાટી દેવાનું નક્કી કર્યું હતું. હત્યા બાદ મહાવીર શાહ તેની પત્નીને ઘરે મૂકવા ગયો અને પાછા આવતા સમયે 20 કિલો મીઠું લઈને આવ્યો. અતુલ, મહાવીર અને ગમનારામ બાવરી તમામે લાશને ખાડામાં ફેંકી તેની પર મીઠું નાખી માટી નાખી દીધી હતી. અને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા.
આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવેલી હકિકતને લઈને સોલા પોલીસે SDM ની હાજરીના ઘટના સ્થળ પરથી કમલેશ તિવારીના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢ્યો હતો અને પેનલ પીએમ કરાવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને સોલા પોલીસે ધરપકડ કરી છે.
પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી મહાવીર શાહ અને કમલેશ તિવારી વચ્ચે 10 વર્ષથી નાની નાની વાતોમાં તકરાર ચાલતી હતી, જેના કારણે વર્ષ 2015, 2022 અને 2023માં સોલામાં 4 ફરિયાદ કમલેશ તિવારી સામે મહાવીર અને તેની પત્નીએ નોંધાવી હતી, જેની સામે કમલેશે 2 અરજી આરોપીઓ સામે કરી હતી. જોકે આ કેસમાં અતુલ પટેલના કહેવાથી હત્યામાં મદદગારી કરનાર ગગનારામ બાવરી ફરાર હોય તેને પકડવાની તજવીજ તેજ કરી છે.


