અમદાવાદ : અમદાવાદમાં બોપલમાં ટેમ્પો ચાલકે સર્જેલા અકસ્માતમાં કુલ એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. ટેમ્પોચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલા રાહદારીને લીધો અડફેટે લેતા અકસ્માતમાં રાહદારીનું મોત થયું છે. આ અકસ્માત અંગે બોપલ પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શેલા મબેર હોમ્સ ખાતે રહેતા 38 વર્ષીય અનુજા જનાર્ધને બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 6 વર્ષની દીકરી ડાન્સ ક્લાસીસમાં જાય છે અને તેને લેવા માટે 80 વર્ષીય ગોપાલન જનાર્ધન જતા હોય છે. 27 ફેબ્રુઆરીએ દીકરી ડાન્સ ક્લાસમાં ગઈ હતી અને મોડી સાંજે સવા છ વાગ્યે ડાન્સ ક્લાસના ટીચરે ફોન કરી જણાવ્યું હતું કે, તમારી દીકરીને લેવા કોઈ આવ્યું નથી. આથી અનુજાબેને તેમના સસરાને ફોન કરતા તેમણે ઉપાડ્યો ન હતો. અન્ય બીજા કોઈ ભાઈએ ફોન ઉપાડીને કહ્યું હતું કે, તેમનો એક્સિડન્ટ થયો છે. આ વાતની જાણ થતાં અનુજાબેન ઘટના સ્થળે દોડી ગયાં હતાં,
જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, ગોપાલન બાંકડા પર બેઠા હતા ત્યારે સફેદ રંગના છોટા ટેમ્પો ચાલકે પૂરઝડપે બાંકડા સાથે અથડાયું હતું, જેના કારણે ગોપાલનભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમ જ ત્યાં પાર્ક કરેલા એક્ટિવા અને બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા ગોપાલનભાઈને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું.