અમદાવાદ : અમદાવાદમાં વધુ એક આગના બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન નજીક દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ત્રીજે માળે આગનો બનાવ બન્યો છે. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલી ખાનગી ઓફિસમાં આગનો બનાવ બન્યો હતો. ઓફિસના સર્વર રૂમમાં આગ હતી. આગની જ્વાળાઓ એટલી ફેલાઈ હતી, કે કોમ્પ્લેક્સમાં આવેલી એપલ હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આગ લાગતા જ જીવ બચાવવો લોકો કોમ્પ્લેક્સના ધાબે ચઢી ગયા હતા. ધાબા પર ચડી ગયેલ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના બપોરના સમયે ત્રીજા માળે એક કંપનીના સર્વરરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ તારણ છે. હોસ્પિટલમાંથી તમામ નવજાત બાળકોને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજા સ્થળે શિફ્ટ કરાયા હતા.