અમદાવાદ : શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સાથે ડ્રેનેજ બેકિંગની સમસ્યા પણ રહે છે. તેમાં પણ જ્યાં ગરનાળા આવેલા છે તેવા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બને છે. શહેરના રાણીપ, સાબરમતી, કાળી સહિતના વિસ્તારોમાં ખુલ્લા ગરનાળાના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે જેના કાયમી ઉકેલ માટે રૂ. 50 કરોડના ખર્ચથી વિસ્તારના ગરનાળા ડેવલપ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રેલ્વે કોલોની કાળી ગરનાળા, રાણીપ બકરામંડી, પ્રબોધ રાવલ બ્રીજ, જલવિહાર STP થઈ સાબરમતી નદી સુધી ચંદ્રભાગાનું નાળુ પસાર થાય છે. આ નાળામાં ઝુંડાલ વિસ્તાર માથી વરસાદી પાણી ચાંદખેડા માનસરોવર થઈ IOC ક્રોસિંગ થઇ કાળી ગરનાળામાં આવે છે. ભૂત બંગ્લોઝથી જવાહર ચોક-સાત નાળા થઇ કાળી ગરનાળામાં આવે છે. વર્ષોથી ચાંદખેડા IOCથી કાળીગામ અને જવાહર ચોકથી સાત ગરનાળા સુધી પસાર થતુ નાળુ વર્ષોથી ખુલ્લુ છે.વર્ષો જૂનું ગરનાળુ ખુલ્લુ હોવાના કારણે ગંદકી અને વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા થતી હતી. 50 કરોડના ખર્ચે ગરનાળાને RCC બોક્સ દ્વારા બંધ કરવામાં આવશે, જેના કારણે આસપાસના સ્થાનિક રહીશોને ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી મુક્તિ મળશે.
ખુલ્લા નાળાના કારણે થતી ગંદકીના કારણે આજુબાજુના રહીશોના આરોગ્ય જોખમાતું અને ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય અને ડી-કેબીન ફાટકથી કાળીગામ સુધી નાળાની બાજુમાંથી પસાર થતો રોડ સાંકડો છે. જેથી અવરજવરમાં તકલીફ પડી રહી છે. જેને લઇને કોર્પોરેટર તેમજ સ્થાનિક ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખુલ્લા ગરનાળાને બંધ કરવામાં આવે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખુલ્લા ગરનાળાને RCC બોક્સ મૂકવા પડે તે માટે રીમોલ્ડિંગ કરવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી.
વોટર સપ્લાય કમિટીમાં અંદાજે ચાર કિલોમીટર લાંબા ખુલ્લા ગરનાળાને બંધ કરવા માટે સુધાકર ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડને 50 કરોડના ખર્ચે કામગીરી કરવા અંગે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ઘરનાડુ બંધ થવાના કારણે સાબરમતી રેલવે કોલોની, કાળીગામ, જવાહર ચોક તેમજ રાણીપ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ ઓછું થશે. વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ શકશે.