અમદાવાદ : અમદાવાદમાં પુત્રના લગ્ન માટે એક જૂના ગુનેગારે ફરી ગુનાખોરી શરૂ કરી, દિકરાના લગ્નને થોડો સમય બાકી હતો અને દિકરાના લગ્નમાં કોઈ બાબતની કમી ન રહી જાય તેના માટે લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યુ, જોકે આ ગુનાખોરી લાંબો સમય ન ચાલી અને અંતે આરોપી ઝડપાઈ ગયો. ઈસનપુર પોલીસે ચોરી અને છેતરપિંડી કરનાર બે ગુનેગારોની ધરપકડ કરીને અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. જોકે ગુનામાં ધરપકડ થતા દીકરાના લગ્ન સમય પિતાને જેલમાં રહેવુ પડે તેવી નોબત સર્જાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈસનપુર પોલીસે ચોરી અને છેતરપિંડીના ગુનામાં નાગજીભાઈ રબારી અને શૈલેષ સલાટ નામનાં મહેસાણાનાં જોટાણા તાલુકાનાં વતની આરોપીઓની ધરપકડ કરી છે. એટીએમમાં પૈસા ઉપાડવા આવતા વૃધ્ધ સિનિયર સિટીઝનને પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહીને આ આરોપીઓ તેઓનું એટીએમ કાર્ડ મેળવતા અને વાતોમાં ભેળવી પીન નંબર જાણી લીધા બાદ કાર્ડ બદલી બીજુ કાર્ડ આપી રવાના થઈ જતા હતા. થોડા સમય બાદ જ્યારે ભોગ બનનારને પોતાનાં ખાતામાં પૈસા ઉપાડ્યાનો મેસેજ આવે ત્યારે તેને આ બાબતની જાણ થતી અને ત્યાં સુધી તો આરોપીઓ પકડથી દૂર જતા રહેતા હતા.
આ જ પ્રકારનો એક ગુનો આરોપીઓએ ઈસનપુરમાં આચર્યો હતો, ઈસનપુરમાં રહેતા સિનિયર સિટીઝન રાજેશકુમાર કાછિયા ગોવિંદવાડી ખાતે આવેલ બેન્કના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા, તે વખતે આરોપીએ એટીએમમાં ખરાબી હોવાનું જણાવી, મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પિન નંબર જાણી, પોતાનું એટીએમ કાર્ડ લઈ, તેની જગ્યા કોઈ ઘાટલોડિયાના શખ્સનું એટીએમ કાર્ડ આપી, એટીએમ કાર્ડ બદલાવી, તે દિવસે અને બીજા દિવસે જુદા જુદા એટીએમ ખાતે જઈ કુલ 80 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.
ફરિયાદી દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા એસીપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં ઈસનપુર પીઆઈ બી.એસ જાડેજા સહિતની ટીમે તપાસ કરી 150 જગ્યાઓ પરનાં 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી અંતે આ આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરેલા 80 હજાર રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા.
જેની બાદ પોલીસે અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ સીસીટીવી આધારે તથા બાતમીદાર થી મળેલ માહિતી આધારે આરોપીઓ નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ ની ધરપકડ કરી હતી.