અમદાવાદ : ગુજરાત પોલીસ વિભાગમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર પોલીસ કર્મચારી અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને અચાનક હાર્ટએટેક આવ્યો હતો, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.એકજ અઠવાડીયામાં પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓનું હાર્ટ એટેકના કારણે મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મોડીરાતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ પટણીનું ચાલુ ડ્યુટીએ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. નરેશ પટણીના મોતથી ક્રાઇમ બ્રાંચમાં શોકનો માહોલ છવાયો છે. નરેશ પટણી એકદમ શાંત સ્વભાવના તેમજ ઉદાર જીવના હતા. નરેશ પટણી અચાનક મૃત્યુ થતા તેમના પરિવાર સહિત ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ શોકમાં છે.
છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતા હતા અગાઉ તેઓ માધુપુરા પોલીસસ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ છેલ્લા ત્રણથી 7 દિવસમાં શહેરમાં ત્રણ પોલીસ કર્મચારીના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે.
સતત કામના તણાવ અને અનિયમિત જીવન શૈલીના કારણે ગંભીર બીમારી અને શારીરિક માનસિક અસર થતી હોય છે તેવા સમયે દિવસ રાત કામ કરતા પોલીસ જવાનોને પણ તેની અસર થઈ રહી હોવાની શક્યતા છે.
આ અગાઉ પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.