અમદાવાદ : અમદાવાદના સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ત્યારે ઝોન 1 એલસીબી સ્કોડે બનાવના ગણતરીના કલાકોમાં સાત આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 10 માર્ચે શહેરના સીજી રોડ લાલ બંગલા પાસેના સુપર મોલમાં આવેલા પામ જ્વેલર્સના 3 કર્મચારીઓ સોનાના દાગીના લઇને પાલનપુર જવા બોલેરો કારમાં નિકળી રહ્યા હતા. જે દરમ્યાન મોલના બેઝમેન્ટમાં અગાઉથી ઉપસ્થીત આ આરોપીઓ પૈકીના 3 લોકોએ જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાંખી દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અભિષેક રાણા નામના કર્મચારીઓ ત્વરીત સતર્કતા અને હિંમત બતાવીને પોતાની બોલેરો કારને અંદરની લોક કરી દઇ તેનુ સતત હોર્ન વગાડવાની શરૂઆત કરી હતી. હોર્નના અવાજથી લોકો એકઠા થઇ જતા લૂંટ સફળ થવાની આશાએ આવેલા 3 શખ્સો ઇકો કારમાં નાસી છુટ્યા હતા. જેથી લૂંટની મોટી ઘટના બનતા રહી ગઇ હતી.બાદમાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ મામલે ગુનો નોંધાયા બાદ ઝોન-1 એલસીબીની ટીમે સીસીટીવીના આધારે ગાડીના નંબર પરથી માલિકને શોધી કાઢ્યો હતો. ગાડીના માલિકે કબૂલાત કરી કે તેણે ખેડાના નિશીત ઉર્ફે શંભુ સોલંકીને ગાડી ચલાવવા આપી હતી. જેથી પોલીસે નિશીત ઉર્ફે શંભુની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે જ્વેલર્સના પૂર્વ કર્મચારી મિત્તુલ દરજીએ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ તપાસ કરીને એક બાદ એક સાત આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસે લૂંટનો પ્રયાસ કરનાર નિશીત ઉર્ફે શંભુ સોલંકી, પવન સોની, મિત્તુલ દરજી, હિતેષ ઉર્ફે કલ્લુ મહેશ્કર, સંગ્રામસિંહ ઉર્ફે પીન્ટુ રાઠોડ, અનિલ પરિહાર અને દિપક ઉર્ફે મચ્છર શુક્લાની ધરપકડ કરી પૂછપરછ કરતા અનેક માહિતીઓ સામે આવી છે. તપાસમાં સામે આવ્યું કે પૂર્વ કર્મચારી મિત્તુલે જ્વેલર્સ કર્મચારીઓની માહિતી તેના સાગરિતોને આપીને બે વાર રેકી કરી હતી. બાદમાં મિત્તુલ, પવન તથા નિશીતે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે સંગ્રામસિંહને લૂંટ કરવા માણસો લાવવાનું અને નિશીત ઉર્ફે શંભુને ગાડીની વ્યવસ્થાનું કામ સોંપતા તે ખેડાથી ગાડી લાવ્યો હતો.