અમદાવાદ : અમદાવાદ શહેરમાં ધંધો કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. ફૂડ સેફ્ટીનું લાઇસન્સ મંજુર કરવા માટે રૂપિયા 25 હજારની લાંચ લેતા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના જોઈન્ટ ડાયરેક્ટરને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. સીજી રોડ પરની એક ઓફિસ ખાતે ACBએ ફરિયાદી સાથે રહીને છટકું ગોઠવ્યું હતું. ACBએ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કન્સલટન્સીનું કામ કરતા ફરીયાદીએ પોતાના ક્લાયન્ટનું ફુડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરી હતી, જેમાં આરોપીએ અલગ-અલગ ક્વેરી કાઢી હતી. જે બાબતે ફરીયાદીએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના જોઇન્ટ ડાયરેકટર રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાને રૂબરૂ મળતા આરોપીએ ક્વેરી નહી કાઢી, ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા માટે રૂ. 25,000/- ની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદના આધારે આજે લાંચના છટકાનું આયોજન કરતા લાંચીયો આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાએ ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ રૂ. 25,000/- સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. સમગ્ર મામલે ACBએ ગુન્હો નોંધી લાંચીયો આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયાની અટકાયત કરી છે.