અમદાવાદ : અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે રવિવારે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન, વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી.
જોકે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘણા લોકો ભિંજાવા માટે નીકળી ગયા હતા. તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ક્યાંક રોડ પર પાણી તો ક્યાંક ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.નારણપુરા સહીત અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે માત્ર 30 મિનિટમાં 15થી વધુ ઝાડ ધરાશાયી થયા છે. વસ્ત્રાપુર ફાટક પાસે અને નારણપુરામાં એક મોટું ઝાડ ધરાશાયી થયું છે. ઉપરાંત બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા છે.આસ્ટોડિયા નજીક એએમસીનું બોર્ડ પડ્યું હોવાના સમાચાર છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.