અમદાવાદ : અમદાવાદમાં નરોડામાં કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. કુબેરનગરમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. પૂજારીએ મંદિરના પરિસરમાં જ આત્મહત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન અને બિલ્ડર દ્વારા સતત ત્રાસ આપવામાં આવ્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં એકત્ર થઈ ગયા હતા.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. મદિરના પૂજારી મહેન્દ્રભાઈ મીણેકરે મંદિર પરિસરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પૂજારી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં બિલ્ડરો દ્વારા મંદિર તોડવા બાબતે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક પૂજારીના પુત્રએ જણાવ્યું કે, મંદિર તોડવા બાબતે ધમકી આપવામાં આવી રહી હતી. છેલ્લા ચાર વર્ષથી ધમકી આપવામાં આવી હતી. બિલ્ડિરો અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવતું હતું કે, તમારું મંદિર તોડી પાડીશું. તમારે અહીં રહેવું હોય તો રહો. મંદિરની જગ્યા તમે ખાલી કરી દો. મંદિર તમને આપી દઇશું. મંદિરમાં તમે રહો અને તમારી ફરજ નિભાવો. જોકે મારા પિતાનું કહેવું હતું કે અમે તમને મંદિર નહીં તોડવા દઇએ. આ વર્ષો જૂનું મંદિર છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગરીબો માટે જે કરવામાં આવી રહ્યું છે તે સારું છે પણ મંદિર પણ કંઇક વિચારવું જોઇએ. મંદિર માટે પણ સારા પગલા ભરવા જોઇએ. મારા પિતાને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છેકે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે.