અમદાવાદ : શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. જોકે તેમ છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં વાહન ચલાવતાં લોકો સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે અને વાહન પણ ડિટેન કરવામાં આવશે.અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને રોંગસાઇડ વાહન ના ચલાવવા માટે અપીલ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના આ પગલાને હેતું રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી થતાં અકસ્માત ઘટાડવાનો છે. નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પાઠ ભણાવવા અને અકસ્માતની સંખ્યા ઘટાડવા તેમની સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવશે. 2024માં તંત્ર દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ 6001 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. 2025ના પ્રથમ બે મહિનામાં જ 598 વાહન જપ્ત કરવામાં આવ્યા છે.
શહેરમાં કોઈપણ નાગરીક રોંગ સાઇડ વાહન ચલાવશે તો, હવે પછી થી તેઓના વિરુદ્ધ FIR નોંધી ધરપકડ કરવામાં આવશે. જેથી તમામ નાગરિકોને વિનંતિ છે કે, રોંગ સાઈડ વાહન ન ચલાવશો.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #wrongside #followtrafficrules #ahmedabad @GujaratPolice pic.twitter.com/WmP2huxvZR
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) March 21, 2025
તંત્ર દ્વારા આજથી 13 મુખ્ય ભંગ બદલ વાહન ચાલકો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હેલમેટ વગર વાહન ચલાવવું, રોંગ સાઈડ વાઈન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ, ઓવર સ્પીડિંગ અને સિટ બેલ્ટ ન બાંધવો મુખ્ય છે. આ ડ્રાઈવનો હેતુ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતની સંખ્યા ઘટે તેવો છે.
ટ્રાફિક નિયમોના ભંગ બદલ 27-2-2025થી 18-3-2025 સુધીમાં કુલ 2 લાખથી વધુ કેસો કરી કુલ મળી 13 કરોડ 21 લાખ 30 હજાર, 650 રૂપિયાનો રેકોર્ડબ્રેક દંડ વસૂલવામાં આવ્યો હતો. સૌથી વધુ દંડ હેલમેટ નહીં પહેરવા બદલ 1.09,651 કેસો કરી 5,48,25,500નો વસૂલવામાં આવ્યો હતો.
બીજા ક્રમે રોંગ સાઈડ વાહન ડ્રાઇવિંગ કરતા વાહનચાલકો સામે 8189 કેસો કરી 1,65,80,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્રીજા ક્રમે બેફામ અને પૂરપાટઝડપે વાહન હંકારતા લોકો સામે 6922 કેસો કરી 1,59,90,900નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાર્કિંગ નિયમના ભંગ બદલ 24 હજારથી વધુ કેસો કરી 1,41,78,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.