અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં સતત અકસ્માતની વણઝાર સર્જાઈ છે એવામાં અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં 13 વર્ષની સગીરા દ્વારા ચલાવવામાં આવેલી XUV કારના ધડાકા કારણે એક્ટિવા સવાર યુવકનું કરુણ મોત થયું હતું. આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં કુબેરનગરની માતૃછાયા સોસાયટી પાસે XUV કાર ચાલક દ્વારા ટર્ન લેતી વખતે આ અકસ્માત સર્જ્યો હતો. જેમાં કમલેશ નૈનાની નામના યુવકનું મોત થયું હતું.XUV જેવી મોટી કાર 13 વર્ષની સગીરા ચલાવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. એક્ટિવા લઈ સોસાયટી બહાર ઉભેલા યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. પોલીસે સગીરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.જેના નામની કાર છે તેને પણ પોલીસે બોલાવીને નિવેદન લીધું છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને બચાવી શકાયું નહીં. સોસાયટીમાં XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ કાબૂ ગુમાવ્યો અને અકાળે કમલેશના જીવનનો અંત આવ્યો. ઘટનાના પગલે સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે,પોલીસે આસપાસના CCTV પણ તપાસ માટે લીધા છે.