અમદાવાદ : અમદાવાદમાં હાઉસીંગ રી ડેવલોપમેન્ટને લઈને છેલ્લાં ઘણા સમયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ એક પછી એક વિવાદોમાં આવી રહ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની મનમાનીને લઈને એસોસિએશન અને રહીશોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આજે નારણપુરામાં આવેલ શાંતિ એપાર્ટમેન્ટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની મનમાની વિરુદ્ધ આક્રોશ ઠાલવતા બેનરો લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જે આગામી સમયમાં નારણપુરા સહીત અન્ય હાઉસીંગ સોસાયટીમાં વકરે તો નવાઈ નહિ.
ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલોપમેન્ટ પોલીસીમાં એટલી બધી ગુંચવણો છે કે, એક ફરિયાદ મુજબ ઉચ્ચ અધિકારીઓ સરકારની પોલિસીમાં મનસ્વી રીતે ફેરફાર કરી રેડેવલોપમેન્ટ પ્રક્રિયાને અવરોધી રહ્યા છે. શાંતિ એપાર્ટમેન્ટના પ્રમુખ વિશાલ કંથારીયા મુજબ સરકારની પોલીસીમાં પ્રથમ વખત અરજીમાં નોટરાઇઝડ સંમતિનો કોઈ ઉલ્લેખ નથી છતાં ઉચ્ચ અધિકારીઓ બિલ્ડરના લાભાર્થે અઘટિત માંગણીઓ કરી એસોસિએશન અને રહીશોને પરેશાન કરી ધક્કા ખવડાવામાં આવી રહ્યા છે, બિલ્ડરો છટકબારી ગોતે છે. કોઈ બોલવા તૈયાર નથી તો સરકાર સાંભળતી નથી અને રહીશોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે.