અમદાવાદ : ગુજરાતના રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયને કેન્દ્રની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ, UDAN હેઠળ મહેસાણા અને મુંબઈ વચ્ચે ડાયરેક્ટ એર કનેક્ટિવિટી શરૂ કરવા વિનંતી કરી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલને લખેલા પત્રમાં નાયકે ઉત્તર ગુજરાતમાં વેપાર, પ્રવાસન અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા મહેસાણામાં હવાઈ સેવાઓને પુનઃજીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે નાગરિક ઉડ્ડયન મંત્રીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે મહેસાણાને મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી હબ ગણાવતા નાયકે જણાવ્યું હતું કે શહેર અને આસપાસના જિલ્લાઓને લાંબા સમયથી સારી હવાઈ જોડાણની જરૂર છે. નાયકે 20 માર્ચના પત્રમાં લખ્યું હતું કે, મહેસાણાએ આપણા માનનીય વડાપ્રધાનનો ગૃહ જિલ્લો પણ છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર પણ છે. તેલ અને ગેસ ઉદ્યોગો, ડેરી ક્ષેત્ર, કૃષિ અને વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ આ પ્રદેશના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર મહેસાણાની હવાઈ સેવા પુનઃસ્થાપિત કરવી એ વિસ્તારના વિકાસ અને જોડાણની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આથી UDAN યોજના હેઠળ મહેસાણાથી મુંબઈ અને મુંબઈથી મહેસાણા માટે દૈનિક હવાઈ સેવા શરૂ કરવામાં આવે.આ સેવા માટે સરકાર જરૂરી તૈયારી કરી મહેસાણા એરપોર્ટ પર આ સેવા તાત્કાલિક શરૂ કરે તેવી માંગણી કરવામાં આવી છે.
વધુમાં, આ સેવા માત્ર મહેસાણાના નાગરિકો માટે જ નહીં, પરંતુ નજીકના જિલ્લાઓ જેમ કે પાટણ અને બનાસકાંઠાના નાગરિકો માટે પણ અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ જિલ્લાઓના વેપારીઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને વધુ સારી પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે, જેનાથી સમગ્ર વિસ્તારનો સામાજિક અને આર્થિક વિકાસ શક્ય બનશે.