અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ જાણે આત્મહત્યાનો ફ્રન્ટ બની ગયો છે. જેમાં યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બંનેએ આપઘાત શા માટે કર્યો તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી. બંનેના મૃતદેહ નદીમાં તરતી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમને બહાર કાઢીને તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં 108ની ટીમ દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી યુવક અને યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને નદીમાં ઝંપલાવ્યું હતું. જેમાં ખાનપુર તરફ આવેલા વોક વે પરથી બંનેએ નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. બંનેના મૃતદેહ નદીમાં તરતી હાલતમાં મળી આવતા ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી. જેમણે તુરંત બંનેને બહાર કાઢ્યા હતા.છોકરી પાસે એક બેગ પણ મળી આવી છે. જોકે, બેગ તપાસતાં કંઈ મળ્યું નથી.
ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તપાસ બાદ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. છોકરીના ડાબા હાથ પર પ્રિયાંશી નામ લખેલું છે. ઘટનાની માહિતી મળતાં રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આત્મહત્યા કરનાર યુવક અને યુવતીની ઓળખ થઈ નથી. છોકરીના ડાબા હાથ પર ફક્ત પ્રિયાંશી શબ્દ લખાયેલો છે અને તેના પર ટેટૂ બનાવવામાં આવ્યું છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.