અમદાવાદ : અમદાવાદ શહેરમાં પૂર્વના ઘણાં વિસ્તારોમાં લાંબા સમયથી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે સામાન્ય જનતા પ્રભાવિત થઈ રહી છે. શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ ચાલી રહેલ છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી 6 એપ્રિલથી 30 મે સુધી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. સદરહું કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.
ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, કેડિલા બ્રિજ પર આવેલા ત્રણ રસ્તા પૈકીનો મધ્યભાગમાં આવેલા BRTS રોડ 6 એપ્રિલથી 30 મે સુધી 45 દિવસ માટે રાત્રીના સમયે બંને તરફથી બંધ કરવામાં આવશે. આ માટેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે બંને રોડનો BRTS બસ માટે ઉપયોગ કરી શકશે. તેમજ કેડિલા બ્રિજ પર રાત્રિ દરમિયાન અવર જવર કરતાં વાહનો બંને બાજુઓ પર આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે. તેમજ સાઈડનું કામ ચાલી રહ્યું હોવાના કારણે તેની બાજુના રોડ પર અવરજવર કરી શકશે.