અમદાવાદ : અમદાવાદના ફરી એક વાર ચાંદખેડા વિસ્તારમાં આદિત્ય એવન્યુ નામની બિલ્ડિંગમાં બપોરના સમયે લિફ્ટમાં ચાર લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લિફ્ટનો લાકડાનો દરવાજો તોડી જાળી ખોલી અને સહી સલામત બહાર કાઢી લીધા હતા.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ્યાં 4 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાઈ ગયા અને તે સમયે ફ્લેટમાં રહેતા દરેકના જીવ અધ્ધર આવી ગયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડા વિસ્તારમાં મૈત્રી સર્કલ પાસે આવેલા આદિત્ય એવન્યુનો આ બનાવ છે. જ્યાં 4 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફ્લેટમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા. જોકે તુરંત આ મામલે પછી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગને ટીમને આ ઘટનાની જાણ થતાં જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.
ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન આદરી તમામ લોકોને સહી-સલામત રીતે લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક લિફ્ટ બંધ પડી જતાં લિફ્ટમાં ફસાયેલા લોકો ગભરાઇ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી છે. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા બહાર કાઢી લેવામાં રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનામાં ગોવિંદ પરમાર, રમીલા પરમાર, જીગ્નેશ શાહ અને તેજલ શાહ નામના ચાર સ્થાનિકો લીફ્ટમાં ફસાયા હતા. 12 કલાક 23 મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો. જો કે, ફાયર વિભાગની 25 મિનિટની મહેનત બાદ ચારેય લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમ દ્વારા લિફ્ટમાંથી સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
આ અગાઉ ધૂળેટીના દિવસે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જ એક સોસાયટીમાં 10 મહિલાઓ લિફ્ટમાં ફસાઇ જતાં ગભરાઇ ગઇ હતી અને બૂમરાડ મચી જવા પામી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળ જતાં દિવાલ તોડીને મહિલાઓને બહાર કાઢી હતી.