અમદાવાદ : ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરાવવા ઈમ્પેકટ ફીનો કાયદો રાજય સરકારે અમલમાં મુકયો છે. ઇમ્પેક્ટ ફી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા યોજાનારા લોક દરબાર અંગે ભાજપના સત્તાધીશો સાથે સંકલન કર્યા વિના તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેથી ભાજપના નેતાઓની નારાજગીના પગલે તારીખો બદલવામાં આવી છે. હવે એપ્રિલ મહિનાની 9 એપ્રિલથી લઈ અને 2 મે સુધી અલગ અલગ તારીખે અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં લોક દરબારની તારીખ નવેસરથી જાહેર કરવા સૂચના આપતા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં હવેથી 9 એપ્રિલથી લઈને 2 મે સુધી દરેક ઝોનમાં બે તબક્કામાં લોક દરબાર યોજાશે. દરેક ઝોનમાં કુલ ચાર દિવસ માટે આ લોક દરબાર યોજાશે જેમાં જે પણ વ્યક્તિએ ઓક્ટોબર 2022 પહેલા પોતાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને ઇમ્પેક્ટ ફીના નિયમ કાયદા મુજબ કાયદેસર કરાવી શકાશે.અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા મ્યુનિ.તંત્રને મળેલી અરજીઓ પૈકી 11,599 અરજીઓ પેન્ડિંગ છે.
આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજાવાનો હતો.
લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાત મારફતે ભાજપના સત્તાધીશોને જાણ થતાં રોષ ફેલાયો હતો. મ્યુનિસિપલ કમિશનરથી લઇ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ મામલે તેઓએ ધ્યાન દોરી અને પૂછ્યા વિના જ તારીખો જાહેર કરી દેવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી.