અમદાવાદ : શહેરમાં આજે સવારે ટ્રાફિક પોલીસ ડિટેઇન કરેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓઢવ રિંગરોડ પર આઈ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા તથા ત્યાં પાર્ક થયેલા આશરે 34 ટુ વ્હીલર વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ અંગેની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગ લાગવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હાલ સ્થાનિક પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, રિંગરોડ પર ઓઢવ પોલીસ સ્ટેશનની સામે બ્રિજની નીચે વાહનોમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ધોરણે ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બ્રિજની નીચે પડેલાં ટુ-વ્હીલર અને ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી અને તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગતાંની સાથે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ અંગે વાત કરતા ઓઢવ ફાયર સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈએ કહ્યુ કે ઓઢવ બ્રિજની નીચે આઈ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી. આશરે 22 જેટલા ડિટેઇન કરાયેલા ટુ-વ્હીલર અને બે ગાડીઓમાં આગ લાગી હતી. જ્યારે 11 જેટલા ટુ-વ્હીલર અન્ય લોકોએ પાર્ક કર્યાં હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે સવારે સાત વાગ્યા આસપાસ આ ઘટના બની હતી.
ઓઢવ બ્રિજ નીચે જે વાહનોમાં આગ લાગી છે તેમાં મોટા ભાગના વાહન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી ડિટેઇન કરાયેલા હતા. હવે આ વાહનો આગને કારણે બળીને ખાક થઈ ગયા છે. ત્યારે સૌથી મોટો સવાલ તે થઈ રહ્યો છે કે આગને કારણે જે વાહનોમાં આગ લાગી છે તે નુકસાન કોણ ભાગવશે?