અમદાવાદ : દેશભરમાં UPI સિસ્ટમ શરૂ થતા નાનામાં નાના રેકડી ધરાવતા ફેરીયા કે પછી મોટી દુકાન ધરાવતા વેપારીઓ તેનો ઉપયોગ કરતા થયા છે, જોકે આ વાતનો જ ગેરલાભ લઈ ગઠીયાઓ તેમને છેતરી રહ્યા છે, વેપારીઓને આપવામાં આવતા PAYTM બોક્સનું દર મહિને સામાન્ય ભાડું વસૂલવામાં આવે છે જે ભાડું કંપનીએ ફ્રી કરી નાખ્યું હોય તેવી લોભામણી લાલચ આપી વેપારીઓના પૈસા પડાવનાર ગેંગ ઝડપાઈ છે.
PAYTM સાઉન્ડ બોક્સના ચાર્જ ફ્રી થઈ ગયા હોવાનું કહીને દુકાનદારો સાથે છેતરપિંડી કરતી ટોળકીના છ શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ વાસણામાં રહેતા જયેશ એચ.દેસાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવીને પોતે PAYTM કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી હતી. બાદમાં PAYTM સાઉન્ડ બોક્સમાં રૂ.99 નો માસિક ચાર્જ આવે છે તે હાલમાં રૂ.1 થઈ ગયો છે કહીને જયેશભાઈને વિશ્વાસમાં લીધા હતા.
બાદમાં જયેશભાઈના મોબાઈલ ફોનમાંથી જેબિટ કાર્ડની ઓનલાઈનઅરજી કરી બાદમાં ડેબિટ કાર્ડ આવતા ડેબિટ કાર્ડ એક્ટીવ કરીને PAYTM ની રૂ. 1 સ્કિમ ચાલુ કરાવવા માટે જયેશભાઈ પાસેથી ડેબિટ કાર્ડ તથા મોબાઈલ ફોન માંગીને પ્રોસેસ કરવાને બહાને મોબાઈલ ફોનમાંથી બેન્કની એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લીધો હતો. બાદમાં જયેશબાઈના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ. 5,99,000 ટ્રાનઝેક્શન દ્વારા મેળવી લઈને છેતરપિંડી કરી હતી.
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરીને છ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં શાહપુરના ગોવિંદ એલ.ખટીક, રાણીપના બ્રિજેશ પટેલ, જુના વાડજના પરાગ એલ.મિસ્ત્રી, મહેસાણાના રાજ આર.પટેલ, વાડજના ડિલક્ષ ટી. સુથાર અને રાજસ્થાનના પ્રિતમ એમ.સુથારનો સમાવેશ થાય છે.તેમની પાસેથી પોલીસે 8 મોબાઈલ, કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ટોળકીએ છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના વડોદરા, આણંદ, નડીયાદ, ખેડા, કલોલ, મહેસાણા, બારેજા, બારેજડી,સુરેન્દ્રનગર, લીમડી, બગોદરા, પાલનપુર, ચાંગોદર, વાવોલ અને અડાલજમાં દુકાનદારો સાથે રૂ.10 હજારથી લઈને રૂ. 6,00,000 સુધીની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.