અમદાવાદ : દર વર્ષે હનુમાન જયંતિના એક દિવસ પહેલા પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી શોભાયાત્રા અને બીજા દિવસે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે, ચાલુ પડશે કેમ પણ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ ઓછા વાહનો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને બીજે વિના શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે ફૂલની પાંખડીઓનો વરસાદ, બેનરો અને ટેબલો શોભાયાત્રામાં રાખવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર બાઈકો અને સુંદરકાંડ પાઠ તેમજ ભજન કરતી મંડળીઓ અને પ્રસાદ ટ્રક સાથે જોડાશે.
આગામી 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિને લઈ શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ શોભાયાત્રા અને હનુમાન જયંતિના કાર્યક્રમનું આયોજન કર્યું છે. 11 એપ્રિલના રોજ સવારે 7:30 વાગ્યે શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ હનુમાન યાત્રાનું પ્રસ્થાન હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને એડવોકેટ ડૉ સુધીરભાઈ નાણાવટી અને ભારતીય સેનાના સમ્માન નીય ઓફિસર મેજર જનરલ ગૌરવ બગ્ગા હનુમાનજીના ધ્વજને ફરકાવીને રથનું પ્રસ્થાન કરાવશે.
આ યાત્રા શાહીબાગ અંડરબ્રિજ, દુધેશ્વર, માધુપુરા, ઇન્કમટેક્સ, આશ્રમ રોડ, પાલડી, વાસણા, ચંદ્રનગર થઈ અને વાયુદેવતાના મંદિરે બપોરે 12 વાગ્યાની આસપાસ પહોંચશે જ્યાં વિશ્રામ અને ભોજન બાદ બપોરે 1:30 વાગ્યાની આસપાસ વાસણાથી પાલડી ધરણીધર વિજય ચાર રસ્તા ઉસ્માનપુરા ઇન્કમટેક્સ થઈ અને શાહીબાગ નિજમંદિર પરત ફરશે. આ હનુમાન યાત્રામાં સૌથી આગળ એક પાઇલોટ જીપ હશે જેની પાછળ આશરે 200 બાઈકર્સ રહેશે. ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરતી મંડળી, હનુમાનજીનો રથ, તેમની ગદાવહન કરતુ વાહન, પ્રસાદ ભરેલું વાહન, સુન્દરકાંડ પાઠ કરતી તથા ભજનો ગાતી મંડળીઓના વાહનો, રેડક્રોસ સંસ્થાનું, રક્તદાનનો મહિમા સમજાવતું વાહન તથા છેલ્લે આ યાત્રાને કારણે પડેલો કચરો ઉપાડતી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાહન હશે.
તમને જણાવી દઈએ કે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતીના દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. સવારે 7:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00 વાગ્યા થી હનુમાન જીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં 151 કિલો બુંદીના લાડુનો જે બ્રહ્માંડ સ્વરૂપે હોય તેનો ભોગ ધરાશે જ્યારે 121 કિલોની દૂધની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવશે. જેને બાદમાં લોકોમાં પ્રસાદ સ્વરૂપે વહેચવામાં આવશે. ભગવાનની ધ્વજા રોહણ કરવામાં આવશે ત્યાર બાદ બપોરે 12:00 વાગ્યાથી મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 15,000થી વધારે લોકો પ્રસાદ લઈ શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.