અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે તેમણે અમદાવાદના ચાણક્યપુરી અને ચાંદલોડિયા રેલ્વે અંડર પાસનું લોકાર્પણ કર્યું હતું. ચાંદલોડિયા ખાતે 25 લાખથી વધુના ખર્ચે નિર્મિત રેલવે ટીકીટ બુકિંગ ઓફિસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે એસજી હાઈવેને જોડતો ચાંદખેડા ત્રાગડ અને ડી કેબીન ખાતેના અલગ-અલગ રેલવે અંડરપાસનું ખાતમુર્હત પણ કર્યું હતું. તે અગાઉ અમદાવાદના હેબતપુર ખાતે વૃક્ષારોપણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોને અગાઉ રેલવે ટિકિટના બુકીંગ માટે સાબરમતી અથવા કાલુપુર જવું પડતું હતું. આ સમસ્યાના સમાધાન માટે રૂપિયા 25 લાખથી વધુના ખર્ચે નિર્મિત રેલવે ટીકીટ બુકિંગ ઓફિસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. હવે ચાંદલોડિયાથી કન્યાકુમારી અને કાશ્મીરની ટિકિટ બુક થઈ શકશે. રૂપિયા 2 કરોડના ખર્ચે ચાંદલોડિયા સ્ટેશન તેમજ રૂ.1.5 કરોડના ખર્ચે સાબરમતી સ્ટેશન પર સુવિધાપૂર્ણ પ્રતિક્ષાલાય બનાવવામાં આવ્યું છે જેના કારણે યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ આ સ્ટેશન પર મળતી થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.