અમદાવાદ : અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનારા એક કારચાલકને આંતરીને ટોળાએ ઢોર મારમારતા કૌશિક નામના ટેક્સીચાલકનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું હતું. કારચાલકે વાસણાથી જુહાપુરા રોડ પર કેટલાક વાહનોને ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને હિંસક ટોળાએ ટેક્સી કારચાલકને બહાર ખેંચી ઢોર માર મારતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીેસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાસણાથી જુહાપુરા જતાં માર્ગ પર એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા. જ્યારે, જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે પણ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જો કે, અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર ટોળું ઉશ્કેરાયું હતું અને હિંસક બન્યું હતું. અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેમા ઘણા બઘા લોકોએ કારચાલક પર હુમલો કર્યો હતો. પોલીસ જ્યારે સ્થળ પર પહોચી ત્યારે કારચાલક ત્યા મૃત હાલતમાં હતા. કારચાલક નીચે જમીન પર મૃત હાલતમાં પડ્યો હતો. સાથેજ તેની કારના કાંચ પણ તૂટેલા હતા. સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના જુહાપુરા વિસ્તારમાં અકસ્માત સર્જનારા કારચાલકને આંતરી લોકોએ કાયદો હાથમાં લઈ મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. અકસ્માત દરમિયાન 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જો કે, આ મામલે પોલીસે કારચાલકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.