અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર આવેલા રૂપલ એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટ મુદ્દે રહીશો વચ્ચે ચાલી રહેલો ઝઘડો જિલ્લા રજિસ્ટાર સુધી પહોંચ્યો હતો. જેની અદાવતમાં રહીશો વચ્ચે મારામારી થઈ હતી. જે બાબતે બંને પક્ષે રાણીપ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રૂપલ એપાર્ટમેન્ટમાં રહેતા ડાહ્યાભાઈ મોચી(52)એ રાણીપ પોલીસ સ્ટેશનમાં રાજન પટેલ અને જતીન મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર તેમની સોસાયટીના ચેરમેન જગદીશ પંચાલ અને સેક્રેટરી નરેશ શાહ વિરુદ્ધ રિડેવલપમેન્ટને લઈને તેમણે જિલ્લા રજિસ્ટારમાં વાંધા અરજી કરી હતી.
રવિવારે રાતે ડાહ્યાભાઈ ચાલવા નીકળ્યા ત્યારે સોસાયટીના નાકે રાજન પટેલ અને જતીન મોદીએ તેમને કહ્યું હતું કે તું કેમ સોસાયટીનું રિડેવલપમેન્ટનું કામ થવા દેતો નથી. જેથી ડાહ્યાભાઈએ તેમને કહ્યું હતંુ કે સોસાયટીના રિડેવલપમેન્ટથી મને કોઈ વાંધો નથી, પરંતુ ચેરમેન – સેક્રેટરી હિસાબ રજૂ કરતા નથી. તેનો વાંધો છે. તેમ કહેતા બંને ગુસ્સે થયા હતા અને ડાહ્યાભાઈ સાથે મારામારી કરી તેમને ધમકી આપી હતી.
જ્યારે સામે પક્ષે શાંતાબહેન પટેલ(63)એ ડાહ્યાભાઈ ઉર્ફે રાજુભાઈ મોચી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ડાહ્યાભાઈએ છોકરીઓને અહીં રમવું નહીં કહેતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો.જેથી ડાહ્યાભાઈ ગુસ્સે થઈ ગયા અને રાજન સાથે મારામારી થઈ હતી. શાંતાબહેન વચ્ચે પડતા ડાહ્યાભાઈએ તેમને ધક્કો મારી પાડી દીધા હતા.