અમદાવાદ: પાસપોર્ટ રિન્યુઅલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટેએ પાસપોર્ટ રિન્યુઅલને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી સામે ક્રિમિનલ કિસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકે છે.ઉચ્ચ ન્યાયાલય એ જણાવ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી કોઈ સત્તા નથી. વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યમાં પાસપોર્ટ રિન્યુઅલ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. બંધારણનાં અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા કોર્ટે અવલોકન કર્યું કે વિશ્વમાં મુસાફરી કરવી તે મૂળભૂત બંધારણીય અધિકાર છે. આથી, વ્યક્તિ સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં હવે 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે. આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની રહેશે તેવું કોર્ટનું અવલોકન હતું. હાઈકોર્ટે કહ્યું કે, વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે પરંતુ, પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી કોઈ સત્તા નથી. આરોપી સામે કેવા પ્રકારનો ગુનાહિત કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ના કરી શકે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારના નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર એક વર્ષ માટે પાસપોર્ટ રીન્યુ કરતી હતી. અરજદાર અદાલતમાં જાય તો ત્રણથી પાંચ વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થતા હતા.જ્યારે, આ મુદ્દે અરજદાર અદાલતમાં જાય તો 3 થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થતા હતા.
પ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટે આ કિસ્સામાં ઠેરવ્યું કે કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવું જોઈએ. આ સિદ્ધાંતને લાગુ કરતા હાઇકોર્ટે આરોપીના પાસપોર્ટને દસ વર્ષ માટે રિન્યુ કરવા માટે હુકમ કર્યો છે. પાસપોર્ટ રિન્યુઅલના કેસો અને પડતર કેસોમાં આ ચુકાદો સીમાચિન્હ રૂપ બની રહેશે.