અમદાવાદ : ઉનાળામાં અમદાવાદ સહિત રાજ્યમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. અમદવાદની વાત કરવામા આવે તો અમદવાદમાં આ દિવસોમાં અમદાવાદમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી એક વાર અમદાવાદમાં આગની આ ઘટના સામે આવી છે જેમાં એક જ દિવસમાં અમદવાદમાં 5 અલગ અલગ જગ્યાએ આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદમાં આગની ચાર ઘટના સામે આવી છે. મોડીરાતે એસજી હાઈવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી, જેમાં ડેકોરેશન સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો છે. અન્યમાં રાત્રે 11:15 વાગ્યાની આસપાસ કાલુપુર વિસ્તારના ફ્રૂટ્સ માર્કેટમાં આગ લાગતાં ચાર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત પ્રહલાદનગરમાં એક બિલ્ડિંગના પાર્કિગમાં આગ ભભૂકી ઊઠી હતી.
આ ઉપરાંત અમદાવાદના પ્રહલાદનગર રોડ પર વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગના પાર્કિંગમાં પડેલાં વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે આઠ જેટલાં ટૂ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં પ્રહલાદનગર ફાયરની એક ગાડી ઘટનાસ્થળે પહોંચી હતો. જોકે ફાયરબ્રિગેડની ટીમે પાંચ મિનિટમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ આક્ષેપ પણ કર્યો હતો કે ફાયરબ્રિગેડને દસ મિનિટ પહેલાં જાણ કરી છતાં પણ ઝડપથી ગાડી આવી નહોતી.
વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. જીઆઇડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફાયરબ્રિગેડની અત્યારે કુલ 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગને ચારે તરફથી કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગના ધુમાડા જીઆઇડીસી રોડ ઉપર દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા.
આ ઉપરાંત બાપુનગરમાં પણ આગની ઘટના સામે આવી છે.બાપુનગર વિસ્તારમાં કારમાં આગનો બનાવ સામે આવ્યો છે જ્યારે ચંડોળા તળાવમાં ડિમોલિશન બાદ કાટમાળમાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.