અમદાવાદ : દેશભરમાં MBBS માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા દેશભરમાં આવતી કાલે 4 મેના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજિત 80 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે દેશભરમાંથી 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. ગત વખતે NEETની પરીક્ષામાં ગેરરીતિનું ગોધરા કનેક્શન નીકળ્યું હતું. આ વખતે સરકારે સખ્તાઈ અપનાવી પરંતુ પનો ટુંકો પડ્યો હોય તેવું લાગે છે. કારણ કે, એજન્ટો દ્વારા 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનો ષડયંત્ર રચ્યાની વિગતોનો ઓડિયો લીક થતાં સમગ્ર ઘટના ચર્ચામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 75 લાખથી 1 કરોડમાં 650થી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, રાજકોટના વાલીને અમદાવાદ બોલાવી લાલચ આપી હતી. વાલીને ટોળકીના વચેટિયાએ હોટેલમાં કરેલી ડીલની વિગતો મળી આવી છે. જેમાં આવતીકાલે લેવાનારી NEETની પરીક્ષામાં માર્ક્સ અપાવી દેવાની ગેરંટી અપાઈ છે. પરીક્ષામાં 85 વિદ્યાર્થીને 650+ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી આપવામાં આવી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલું છે.
આ મામલે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય, તેના આધારકાર્ડ પહેલેથી જ અન્ય રાજ્યના બનાવી દેવામાં આવે છે. અને આ વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર કર્ણાટકના હુબલી, બેલગામ અને બેંગ્લોર કેન્દ્રમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એજન્ટો આધારકાર્ડ બદલતા હોવાનો દાવો કરાયો. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં થોડા જવાબો લખવાના. પરીક્ષા પુરી થાય ત્યારબાદ એક જ કલાકમાં OMR ભરીને માર્ક મેળવી શકાય તેવો દાવો કરાય છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ ત્યાં સારી હોટેલ, રિસોર્ટમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના એક કલાસિસ સંચાલકની પણ ભેદી ભૂમિકામાં હોવાનું ખૂલ્યું છે. NEETમાં ગેરરીતિની CBI સહિત 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. આ વચ્ચે વાલી અને દલાલ વચ્ચેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. અમદાવાદના ઈસ્કોન સર્કલ પાસે મળવા બોલાવી રૂપિયાની માંગ કરી છે.
આ વિશે એક્સપર્ટસે જણાવ્યું કે, આ રીતે થાય છે કારસ્તાન જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતો હોય તેના આધારકાર્ડ 4-5 માસ અગાઉ અન્ય રાજ્યના બનાવી દેવાય છે. ગેરરીતિ વાળા કેન્દ્રો પર વિજિલન્સ મુકવી જોઈએ, આધારકાર્ડ બદલનારની તપાસ કરી પ્રતિબંધ મુકવો જોઈએ.
સળગતા સવાલ
હવે NEETની પરિક્ષામાં પણ કૌભાંડ?
શું હવે મેડિકલના મહેનતુ વિદ્યાર્થીઓ સાથે પણ થશે અન્યાય?
દેશની ટોચની પરીક્ષામાં પણ વધુ માર્કની ગેરંટી દર્શાવે છે ઉચ્ચ અધિકારીઓની સંડોવણી?
કોની રહેમ નજર હેઠળ ચાલે છે ષડયંત્ર?
કોની સંડોવણીથી વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપવાની ગેરંટી?