અમદાવાદ : ગુજરાતમાંથી સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કોથળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. આ બનાવનો વિડિયો વાયરલ થતાં ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે અજાણ્યા યુવકની હત્યાનો ગુનો નોંધીને લાશને પીએમ માટે મોકલીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ઇન્દીરા બ્રિજ પાસે નદીના પટમાં 40 વર્ષના અજાણ્યા યુવકની કોઇક કારણસર હત્યા કરીને લાશને દોરડાથી બાંધીને પ્લાસ્ટીકના કોથળમાં પેક કરીને નાંખી દીધી હતી. આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસે દોડતી થઇ હતી. આ લાશ અહીં કોણ ફેંકી ગયુ, કોણે હત્યા કરી તેને લઈને રહસ્ય ઘેરુ બન્યુ છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધીને લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેક દિવસ પહેલા લાશ ફેંકી હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા લાશને કોથળામાં પેક કરીને નદીના પટમાં ફેંકી હતી.