અમદાવાદ : મુંબઈ અને પંજાબ વચ્ચે યોજાનારી IPL-25ની 11 મેની મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ અગાઉ ધર્મશાલામાં યોજાવાની હતી, બાદમાં મુંબઈમાં યોજવાનું નક્કી થયું, પણ પંજાબની ટીમે ન્યુટ્રલ સ્થળની માંગ કરી. આથી હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં મેચ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના સેક્રેટરી અનિલ પટેલે મીડિયા એજન્સીને જણાવ્યું હતુ કે,પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચ હવે અમદાવાદમાં રમાશે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ 11 મેના રોજ બપોરે 3.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. અનિલ પટેલે કહ્યું, ‘BCCI એ અમને વિનંતી કરી અને અમે સ્વીકારી લીધી. મુંબઈ ઈન્ડિયન્સ આજે આવી રહ્યું છે અને પંજાબ કિંગ્સની મુસાફરીની યોજનાઓ પછીથી જાણવા મળશે.
તમને જણાવી દઈએ કે,ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. આને ધ્યાનમાં રાખીને, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખથી લઈને પંજાબ-હિમાચલ પ્રદેશ સુધી, સરહદની નજીકના રાજ્યોમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. ધર્મશાલામાં પણ તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવતા પંજાબ કિંગ્સ અને મુંબઈ મેચનું સ્થળ બદલવાની BCCIએ જાહેરાત કરી હતી.
આ અગાઉ 7 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા હલચલ મચી હતી. ધમકીભર્યો ઈમેલ GCAને મળ્યો હતો, જેમાં સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની વાત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ ઈમેલ જર્મની અને રોમાનિયાથી ઓપરેટ થયો હતો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં ચકાસણી હાથ ધરી છે અને તપાસ ચાલી રહી છે.