અમદાવાદ : ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પોલીસ એલર્ટ છેકે નહી તે જોવા માટે શહેર પોલીસ કમીશ્નર જી.એસ. મલિક મોડીરાતે સરપ્રાઇઝ ચેંકીગમાં નીકળ્યા હતા. ગુજરાતમાં હાઇએલર્ટ હોવાથી પોલીસ સતર્ક છે કે નહી તે ચેક કરવુ જરુરી છે જેના કારણે પોલીસ કમીશ્નર મોડીરાતે સરપ્રાઇઝ ચેંકીગમાં નીકળ્યા હતા. રાતે એક વાગ્યાથી સવાર સુધીમાં પોલીસ કમીશ્નર જી.એસ. મલિક શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. કમીશ્નરને તમામ પોલીસ સ્ટેશનની સતર્કતા ચકાસણી કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમીશ્નરે શહેરના કૃષ્ણનગર, નરોડા, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, ખોખરા, ઇસનપુર, મણીનગર, કારંજ, ગાયકવાડ હવેલી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. આ સિવાય પોલીસ કમીશ્નરને પોલીસ સ્ટેશનમાં નાઈટ રાઉન્ડમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર, કર્મચારીઓ, પી.સી.આર. વાહનો તેમજ નાકાબંધી પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ચેક કર્યા હતા અને તમામને એલર્ટ રહેવા માટેની સુચના આપવામાં આવી હતી. આ બાદમાં જી.એસ. મલિકે પોલીસ કંટ્રોલ રૂમની વિઝીટ લીધી હતી. પોલીસ કમીશ્નરે લીધેલી ઓંચીતી મુલાકાતમાં તમામ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બરાબર નિભાવતા હોવાનું સામે આવ્યુ હતું.
મોડીરાતે પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે સરપ્રાઇઝ મુલાકાત લેતા પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. પોલીસ કમીશ્નરે સ્ટેશન ડાયરી ચેક કરી હતી જ્યારે તમામ પોલીસ કર્મીઓને એલર્ટ રહેવાના આદેશ કર્યા હતા. ગુજરાતમાં એલર્ટના પગલે પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે તમામ પોલીસ અધિકારીઓ સાથે મીંટીગ પણ યોજી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિમાં કોઈ ઇમરજન્સી અથવા બ્લેક આઉટ દરમિયાન પોલીસ દવારા કેવા પ્રકારની તકેદારી રાખવી, સ્થાનિક વહીવટીતંત્ર, હોસ્પિટલ સાથે સંકલન રાખવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.
ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા અમદાવાદના ચંડોળા તળાવમાં બની ગયેલુ મિની બાંગ્લાદેશ પોલીસ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાફ કરી દીધુ હતું જેને લઇને માહોલ ગરમાયો હતો. પોલીસે સંખ્યાબંધ બાંગ્લાદેશીઓને પણ ઝડપી લીધા હતા જેના કારણે એલર્ટ જેવો માહોલ હતો.