અમદાવાદ : અમદાવાદ શહેર જ નહિ પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી જનાર ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. જામીન દરમિયાન તથ્ય સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેસે. તથ્ય પટેલે તેના માતાની બીમારીનું કારણ ધરીને જામીન માટે અરજી કરી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની માતા બીમાર અને પિતાને કેન્સર હોવાથી કોર્ટે 7 દિવસના જામીન મંજૂર કર્યા છે. જામીનને લઈ હાઈકોર્ટે અરજી કરાઈ હતી ત્યારે કોર્ટે સાત દિવસના જામીન મંજૂર કર્યા છે.દાદાની મરણક્રિયા માટે તથ્યએ જામીન માગ્યા હતા, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. હાલ 9 લોકોના ભોગ લેનારા આ નબીરાને હાલ કેસમાંથી મુક્તિ જોઈએ છે, જેના માટે તથ્યએ હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી પણ કરી છે.આ અગાઉ અકસ્માત કર્યાના 13 મહિના બાદ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે તથ્યને માત્ર 1 દિવસના પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા હતા.
આપને જણાવી દઈએ કે આ માલેતુજાર બાપના ફરજંદે 19 જૂલાઈ 2023ની રાત્રે બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને ઘટના સ્થળે જ રહેંસી નાખ્યા હતા અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 150થી પણ વધુ હોવાનુ સામે આવ્યુ હતુ. એ સમયે અગાઉથી જ એક થાર ગાડીનો અકસ્માત થયેલો હતો અને લોકો ત્યાં ટોળે વળેલા હતા, એજ સમયે અચાનક બેફામ સ્પીડે તથ્યની જેગુઆર આવી અને અનેક લોકોને તેની સાથે ફંગોળતી ગઈ હતી. રાત્રિના સમયે સમગ્ર હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.