અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી છે. શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 20 તારીખે જ એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કેસો કાચબાગતિએ વધી રહ્યાં છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે, તેઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, આ સ્થિતિ જોતા અમદાવાદની સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. ઓક્સિજન ટેન્ક ઉપરાંત પીપીઇ કીટ, દવાઓ સાથે ડોક્ટરોની ટીમ તૈયાર કરાઇ છે. આ ઉપરાંત કોરોનાના વેરિએન્ટ પર પણ નિષ્ણાતો ધ્યાન રાખી રહ્યાં છે. નવો વેરિએન્ટ આવે તો શું કરવું તે માટે પણ આગોતરી તૈયારીઓ સાથે આયોજન કરાયુ છે.
લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલોને પણ સૂચના અપાઇ છે કે, શંકાસ્પદ દર્દી આવે તો કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવા નક્કી કરાયુ છે. આમ, કેન્દ્રીય આરોગ્ય વિભાગની સૂચનાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક થયુ છે અને રાજ્યમાં કોરોનાના દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી છે.