અમદાવાદ : શહેરના આનંદનગર વિસ્તારમાં હરણ સર્કલ પાસે આવેલી લક્ષ્મીકૃપા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાડીની લોનના હપતા બાકી હોવાથી ખાનગી ફાઇનાન્સ કંપની વતી ગાડી સીઝ કરવા આવેલા રિકવરી એજન્ટોએ આનંદનગરમાં એક પરિવારના 6 સભ્ય પર છરી અને દંડાથી હુમલો કર્યો હતો. જેમાં 3 વ્યક્તિને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલ લઈ જવી પડી હતી. હુમલાખોરોએ 2 કારના કાચ પણ તોડી નાખ્યા હતા.આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના આનંદનગર હરણ સર્કલ પાસે આવેલી લક્ષ્મીકૃપા સોસાયટીમાં રહેતા નવીન નાયકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના કાકા સાથે ઓટોમોબાઇલ અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. વેજલપુરમાં રહેતા પ્રકાશ ચૌધરી પાસેથી તેમને ટ્રાવેલ્સના પેમેન્ટ પેટે રૂપિયા 65,000 લેવાના બાકી હતા. આ રકમના બદલામાં પ્રકાશે તેમને તેની કાર આપી હતી અને પેમેન્ટ ચૂકવાયા બાદ કાર પરત લેવાનું નક્કી થયું હતું.જેમાં પૈસાની સગવડ થશે ત્યારે હું પૈસા આપીને કાર લઈ જઈશ.
બુધવારે બપોરના સમયે ચોલા મંડલમ ફાઇનાન્સ વતી રિકવરીનું કામ કરતી એજન્સીના દિલીપ રાવલ અને ઘેમર રબારી કાર લેવા માટે આવ્યા હતા. નવીને આ અંગે પ્રકાશને ફોન કરીને જાણ કરી, પરંતુ પ્રકાશે સાંજે મળવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો.એજન્સીના માણસોએ કારની ચાવી માગતા નવીને આપવાની ના પાડી. તેમ છતાં, તેઓ કાર લેવા માટે ઝપાઝપી કરવા લાગ્યા. આ જોઈ નવીને તેના કાકા અને અન્ય બે લોકોને બોલાવ્યા. ત્યારે દિલીપ રાવલે અન્ય ત્રણ માથાભારે લોકોને બોલાવીને લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. એટલું જ નહીં, રિકવરી એજન્સીના માણસોએ નવીન અને તેના સગાના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની દાદાગીરી અને હુમલાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.