અમદાવાદ : અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા અગાઉ આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી. સાબરમતી સોમનાથ ભુદરના આરે જળ પૂજા કરાઈ. 108 કુંભમાં જળ લાવી ભગવાનનો જયેષ્ઠ અભિષેક કરવામાં આવ્યો. ધજા- પતાકા, ગજરાજ સાથે ભગવાનની જળ યાત્રા નીકળી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા આજરોજ જળયાત્રા યોજાઈ હતી. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. મંદિરે ભગવાન પરત ફર્યા બાદ સાધુ-સંતો, યજમાન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો.
જ્યાંથી દર વર્ષે જળાભિષેક માટે પાણી લાવવામાં આવે છે, ત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર એસી ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને રાજકીય નેતાઓ ક્રૂઝ પર સવાર થઇ સાબરમતી નદીના મધ્યમાંથી ભગવાનના જળાભિષેક માટે જળ લીધું હતું. પાણી લઈ ક્રૂઝ પરત ફર્યા બાદ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.