અમદાવાદ : ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી જુગારધામ ઝડપાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. AMC શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચારેય વ્યક્તિ ઇજનેર વિભાગના મશીન હોલના કામદારો હોવાનું સામે આવ્યું હતું. ચારેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સમીરાબાનુ શેખ અને તેમના પતિ મધ્ય ઝોનના દરીયાપુર વોર્ડમાં થઈ રહેલી ગટર ઉભરાવાની ફરિયાદને લઈને અવારનવાર ફોન કરી જાણ કરતા હતા છતાં પણ તેઓ કામગીરી કરતા નહોતા. જેથી બુધવારે બપોરે 2:00 વાગ્યાની આસપાસ સમીરાબાનું તેમના પતિ સાથે શાહપુર રંગીલા ચોકી પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની મસ્ટર સ્ટેશન ઓફિસે ગયા હતા. આ જગ્યા સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી હોવી જોઈએ જેની જગ્યાએ મસ્ટર સ્ટેશનના દરવાજા બંધ હતા, ત્યારે એક દરવાજો ખુલ્લો હતો. આગળના દરવાજા બંધ હોવાથી પાછળના દરવાજાથી અંદર પ્રવેશ કર્યો, ત્યારે કેટલાક લોકો શંકાસ્પદ જણાયા હતા.શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોવાના પગલે ધીરે રહીને પાછળનો દરવાજો ખોલતાની સાથે જ કેટલાક લોકો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. જેનો વીડિયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો હતો.
વાઇરલ વીડિયોના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના આધારે ચારેય વ્યક્તિ ઇજનેર વિભાગના મશીન હોલના કામદારો હોવાનું સામે આવ્યું છે. જેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બાકીના ઇજનેર વિભાગમાં ડીસેટિંગના ગેંગેના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.