અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટને લઈને રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને મુખ્યમંત્રીથી લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નર સુધી રજૂઆત કરી ચૂક્યું છે ત્યારે આજે બપોરે મોટી સંખ્યામાં રહીશો હાઉસીંગ બોર્ડના કમિશ્નરને રજૂઆત કરવા ગયા ત્યારે રહીશોને તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? કહેતા સમગ્ર મામલો બિચક્યો હતો અને વાતાવરણ એક સમયે તંગ બની ગયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજે મંગળવારે મોટેભાગે ગાંધીનગર ખાતે હાજર રહેતા કમિશ્નર પ્રગતિનગર ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસે હાજર હોવાનો સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં હાઉસીંગના રહીશો રિડેવલોપમેન્ટ પોલીસીમાં ફેરફારને લઈને કમિશ્નરને રજુઆત માટે પહોંચ્યા હતા. રહીશો સાથેની મુલાકાત દરમ્યાન રજૂઆત બંન્ને બાજુ ઉગ્ર થતા હાઉસીંગ કમિશ્નર દ્વારા તમે હાઉસીંગમાં મકાન જ કેમ ખરીદ્યા ? પૂછતાં મામલો બિચક્યો હતો અને રહીશો અકળાયા હતા. વધુમાં રજુઆત દરમ્યાન એક રહીશને શારીરીક ચેષ્ટાની સાંકેતીક રીતે તથા મોઢેથી અપશબ્દો બોલી અપમાનીત પણ કર્યા હોવાનો આરોપ રહીશો દ્વારા લગાવાયો છે.
સમગ્ર મામલે હાઉસીંગ ફેડરેશને જણાવ્યું હતું કે આ અપમાન સમગ્ર હાઉસીંગના રહીશોનું છે ! જેના કારણે હાજર બધા રહીશોએ કમિશ્નર માફી માંગે તેવા સૂત્રો બોલાવ્યા હતા, તથા હાઉસીંગ બોર્ડની ઓફિસ ખાતે નીચે બેસીને રામધૂન બોલાવી હતી, કમીશ્નરને સદબુદ્ધી આવે તેવી પ્રાર્થના કરી હતી અને પોલીસીમાં પ્રજાલક્ષી ફેરફારની માંગ કરી હતી.
હાઉસીંગ ફેડરેશને જણાવ્યું હતું કે આ વર્ષના વરસાદી વાતાવરણમાં કેટલીક આવી જૂની વસાહતોમાં છત-ધાબા પડી રહ્યા છે અને રહીશો ડરમાં જીવી રહ્યા છે, અને જો કોઈ સરકારી કચેરીની જગ્યાએ રજૂઆત કરવા જાય તો ગાળો સાંભળવી પડે છે. સ્થાનીક રાજકીય નેતાઓને પણ ઘણા સમયથી અનેક રજૂઆતો કરી છે પણ પરિણામ ઝીરો છે ? અધિકારીઓ નેતાઓ પર છોડે કે સરકારની પોલીસી છે સરકાર પાસે જાઓ અને નેતાઓ અધિકારી પર છોડે છે કે તેઓ યોગ્ય રીતે કામ કરતા નથી. ખો ખો ની રમતમાં હાઉસીંગના રહીશો પીસાઈ રહ્યા છે. કડવી પણ આ સાચી વાસ્તવિકતા છે હાઉસીંગના રહીશોની! કોણ સાંભળશે આ નિરાશ્રીત રહીશોને ?
એકતા એપાર્ટમેન્ટમાં અકસ્માતમાં કોઈના જીવ ગયા ત્યારે રિડેવલપમેન્ટ થયું, તો શું તેમ દરેક સોસાયટીમાં એવી ઘટના બનશે પછી જ બધા જાગશે, પછી જ થશે રિડેવલપમેન્ટ? પૂછે છે હાઉસીંગના રહીશ.