અમદાવાદ : AMC નો ટેક્સ વિભાગ ડિજિટલ ઇન્ડિયાનો સહભાગી થવા જઈ રહ્યો છે.આગામી દિવસોમાં એએમસીને ટેક્સને લગતી ફરિયાદો ઓન લાઇન કરવામાં આવશે. ફરિયાદીએ અરજી સાથે જરૂરી પુરાવા પણ ઓનલાઇન એટેચ કરવાના રહેશે. નાગરિકની ફરિયાદ બાદ જેતે અઘિકારી તેનું ઓનલાઇન ચેકીંગ કરી નિકાલ કરશે.
ફરિયાદી ફરિયાદનું સ્ટેટ્સ પણ જાણી શકશે, ઓનલાઇન સાથે ઓફ લાઈનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ટેક્ષની આકારણી પણ આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે. હાલની પદ્ધતિમાં ટેક્સની નવી આકારણી કરવા માટે ઝોનના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર ક્ષેત્રફળનું રૂબરૂ મેજર- ટેપથી માપણી કરવામાં આવે છે. તેમજ ચોપડામાં નોંધ કરવામાં આવે છે અને ત્યાર પછી ઓફિસમાં જઈ તેની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે.
આ પ્રશ્નોના નિવારણ માટે હવે પછી મોબાઈલ એપ્લિકેશન બેઝ કરવાની યોજના છે. જે યોજના હેઠળ હવે પછી ટેક્ષ તથા વેલ્યુએશન ખાતાના તમામ ઇન્સ્પેકટરો તેમના મોબાઈલ પર મોબાઈલ એપ ડાઉનલોડ કરશે, તેમજ મિલ્કતનું ક્ષેત્રફળ પણ GIS આધારિત સિસ્ટમ સાથે જોડીને મોબાઈલ એપ મારફતે સિસ્ટમમાં બારોબાર ક્ષેત્રફળ તથા અન્ય પરિબળ અપલોડ થશે અને અલગથી મેન્યુઅલ ડેટા એન્ટ્રીની કોઈ જરૂરીયાત રહેશે નહીં.
મોબાઇલ એપમાં સ્થળના ફોટોગ્રાફ પણ અપલોડ થશે અને દસ્તાવેજી પુરાવા પણ ઓનલાઈન અપલોડ થઈ શકશે. આમ, ટેકસ ખાતાની કામગીરી ફેસલેસ અને પેપરલેસ થઇ શકશે અને આ અંગે કરદાતાઓ સાથે થતા પ્રશ્નો નો પણ નિકાલ થઇ શકશે. આ પ્રમાણે નવા સિસ્ટમનું અમલીકરણ હવે પછી કરવા નક્કી કરવામાં આવ્યું છે.