અમદાવાદ : આજના આધુનિક યુગમાં માનવી બેઠાડું જીવન જીવતો હોઇ જેમાં કામ કરતા, હરતા ફરતા અચાનક પડી જવું, હૃદય રોગનો હુમલો આવવો, એ સમયે વ્યક્તિને દવાખાના સુધી પહોંચાડવા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી ગણેશ કન્યા વિદ્યાલય કેમ્પસમાં વિધાર્થીઓ અને શિક્ષકો માટે CPR અંગે તાલીમનો કાર્યક્રમ યોજાયો.
પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં વિધાર્થીઓ માટે અવનવી એક્ટિવિટી કરતી નવા વાડજની ગણેશ કન્યા વિધાલય કેમ્પસમાં ગણેશ કન્યા વિદ્યાલય, ઉત્તમ હિન્દી માધ્યમિક શાળા, લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓ માટે પ્રાથમિક સારવાર અને CPR અંગે તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી સ્વયંસેવક સુરેશભાઈએ CPR નો અર્થ સમજાવ્યો કે જેમાં વ્યક્તિનું હૃદય બંધ પડી જાય, વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે કઈ રીતે CPR આપવું તેની પ્રત્યક્ષ સમજણ આપી. તેમજ આશરે 400 થી વધુ વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકોને જાતે કેમ CPR આપવું તે હ્યુમન બોડીના સ્ટેચ્યુ સાથેનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હુતું.
આ કાર્યક્રમ દરમ્યાન શાળાના આચાર્ય દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્વયંસેવક સુરેશભાઈએ CPR અંગે માર્ગદર્શન આપ્યું ખુબ ઉપયોગી રહ્યું, આટલું જ નહિ તેઓએ માત્ર વ્યવહારુ તાલીમ જ આપી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.