અમદાવાદ: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી પાસે બિરજુ ફ્લેટમાં આજે (29 જૂન, 2025) સવારે પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે બે માળના ફ્લેટમાં ઉપરના માળના બે સ્લેબ ધરાશાયી થયા હતા. જેને પગલે ફ્લેટમાં રહેતા 10થી 15 લોકો ફસાયા હતા. ફાયર વિભાગે 10થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી જૂની અને જાણીતી આઝાદ સોસાયટી પાસે આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં જી બ્લોક ઉપર બે હજાર લીટરની પાણીની ટાંકી તૂટી પડી છે. આ ટાંકી ધરાશાયી થઈ હતી. જેના કારણે ફ્લેટનો ધાબાનો અને સીડી પાસેનો ભાગ ધરાશાયી થયો હતો. લોકો ઘરમાંથી બહાર નીકળી શકે તેવી સ્થિતિ ન હતી, કારણ કે જે ભાગ તૂટ્યો તો તે ઘરની આજુબાજુ હતો.જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ તૂટી પડ્યો છે. આ સ્લેબ તૂટવાનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ ડરી ગયા હતા.
ફાયર વિભાગે આ અંગે જણાવ્યું છે કે, આઝાદ સોસાયટી પાસે આવેલા બિરજુ એપાર્ટમેન્ટમાં જી બ્લોક ઉપર પાણીની ટાંકી પડી ગઈ છે અને માણસો ફસાયેલા છે. તો તાકીદે ફાયર વ્હીકલ સ્ટાફ સહિત રવાના થયા અને બચાવ કામગીરી ચાલુ કરી છે જેમાં 10થી વધારે લોકોને સહી સલામત લેડરની મદદથી નીચે ઉતાર્યા છે. જેમાં એક માજીને પગે ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડીના ભાગેથી નીચે ઉતારવામાં આવ્યા છે.
આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ નથી.ફાયર વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આ ઘટનામાં એક મહિલાને પગમાં ફ્રેક્ચર થયું છે.