અમદાવાદ : શહેરના નારણપુરામાં કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે કોમન પ્લોટમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નારણપુરામાં સામાજીક આગેવાન અને મુખ્ય યજમાન એવા સંદિપ ત્રિવેદીએ જણાવ્યું છે કે વિસ્તારના સૌ રહીશો તથા સૌ ભકત મંડળના તથા દાતાઓ, યજમાનો અને ભાવિક ભકતોના સાથ સહકાર, સહયોગ દ્વારા કર્ણાવતી એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં તા.17-07-22 રવિવાર થી તા. 23-07-22 શનિવાર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યાસપીઠ પર કથાકાર અને વૃંદાવનવાસી ધર્મપથિક પૂ. કથાકાર શ્રી શૈલેન્દ્ર કૃષ્ણજી બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં અનોખું, અલૌકિક, અલભ્ય કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ભાગવત કથા દરમ્યાન આગામી દિવસોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી વામન અવતાર, શ્રી ગોવર્ધન પૂજા, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. સ્થાનિક આગેવાન ગોવર્ધનભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે પ્રથમ દિવસે રહીશોના કલ્યાણાર્થે આજે શરૂ થયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં દરમિયાન 5 હજાર જેટલા સત્સંગી ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી.
શ્રીમદ્ ભાગવત કથાની શોભાયાત્રા સામાજીક આગેવાન અને યજમાન સંદિપ ત્રિવેદીના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી. વૈશાલીબેન સંદિપ ત્રિવેદી દ્વારા પોથી લઈ શોભાયાત્રામાં શોભાયમાન થયા હતા. પોથી યાત્રામાં રામેશ્વર એપાર્ટમેન્ટથી કર્ણાવતી એપાર્ટમેન્ટ સુધી અનેક ભાવિક ભકતોની ઉપસ્થિત રહી હતી.