અમદાવાદ : અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે, ઓટોરિક્ષા યુનિયને આજે રાત્રે 12 વાગ્યાથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો, અમદાવાદના રસ્તાઓ પરથી રિક્ષાના પૈડા થંભી જશે, તેવી યુનિયને સ્પષ્ટ જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રીક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા હડતાળની જાહેરાત કરાઈ છે. શહેર પોલીસ દ્વારા રીક્ષાઓ ડીટેઇન કરવાની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોમાં રોષ વ્યાપી નીક્યો છે. પોલીસ માત્ર રીક્ષા ચાલકો સામેજ કાર્યવાહી કરતી હોવાનો રીક્ષા ચાલક યુનિયનનો આક્ષેપ છે. રીક્ષાચાલકોનું કહેવું છે કે, ટેક્સી ડમ્પર બાઇક ટ્રાવેલ્સ સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી.
રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.
સાથે જ પોલીસે પકડેલી રીક્ષા કોઇ પણ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ યુનિયન દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં અલગ અલગ 9 એસોસિયેશન અને યુનિયન હડતાળમાં જોડાશે. અમદાવાદ રીક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા પોલીસ કમીશનરને આ અંગે આવેદનપત્ર સોંપ્યુ છે.
હડતાળને પગલે સમગ્ર અમદાવાદ શહેરમાં 2 લાખ 10 હજાર રીક્ષાના પૈડા થંભી થશે. એક રીક્ષા સરેરાશ 15 મુસાફરોની અવરજવર રહે છે. અંદાજે ૩૦ લાખથી વધારે મુસાફરો રીક્ષાનો દિવસ દરમિયાન ઉપયોગ કરે છે. ત્યારે આવતીકાલે રીક્ષામાં મુસાફરી કરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
ગત વર્ષે અમદાવાદ શહેરનાં રીક્ષા ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લીકેશનનાં માધ્યમથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરને બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા હતા.