અમદાવાદ : અમદાવાદમાં NSUI દ્વારા આજે રિવર ફ્રન્ટ પર રામકડાના પ્લેન ઉડાવી સી પ્લેન બંધ હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI દ્વારા આક્ષેપ કરાયો છે કે કરોડો રૂપિયાના ખર્ચે સી પ્લેન શરૂ કરવામાં આવી હતી અને તેટલી ઝડપથી જ બંધ પણ કરી દેવાઈ છે. શહેરના આશ્રમ રોડ વલ્લભસદન રિવર ફ્રન્ટ ખાતે NSUIના કાર્યકરોએ રમકડાના પ્લેન લાવી પાણીમાં ઉડાવ્યા હતા. આ પ્લેન ઉડાવી NSUIએ નારા સાથે સરકારનો વિરોધ પણ કર્યો હતો.
NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે.શહેરમાં ખાડા અને રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે. છતાં સરકારે જનતાના ટેક્ષના પૈસામાંથી સી પ્લેન સેવા શરૂ કરી જે ફ્લોપ ગઈ છે જેથી અમે આજે નકલી પ્લેન ઉડાવી વિરોધ કરી રહ્યા છીએ.
જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબર 2020થી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ છેલ્લા 20 મહિનાથી બંધ રહેલા સી પ્લેનની સેવાને લઈ NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો.