અમદાવાદઃ શહેરમાં જાણે ડ્રગ્સ-પેડલરને જાણે પોલીસનો ડર જ ના હોય તેમ બેફામ વર્તી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા જ અમદાવાદનાં આશ્રમ રોડ પર ડ્રગ પેડલરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ડ્રગ પેડલરે કારની આગળ અને પાછળ બન્ને બાજુએ ઉભેલા પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના ઇન્સ્પેકટર મિતેશ ત્રિવેદી અને વી.એચ.જોષીને બાતમી મળી હતી કે બહેરામપુરા રહેવાસી મહંમદ હમજા ઉર્ફે મુલ્લા જમાલુદ્દીન શેખ સાંજના સમયે આશ્રમ રોડ પર વેન્યૂ કારમાં ડ્રગ્સ વેચવા આવવાનો છે. આ બાતમીના આધારે SOGએ ICICI બેંક નજીક વોચ ગોઠવી. જ્યારે શંકાસ્પદ કાર આવી, પોલીસે તેને ઘેરવા માટે બે બાઇક ગોઠવી—એક આગળ અને બીજી પાછળ.
સબ ઇન્સ્પેકટર આર.કે.વાણિયાએ પોતાની ઓળખ આપીને ચાલકને ગાડીમાંથી ઊતરવા કહ્યું, પરંતુ મહંમદ હમજાએ ગાડી રોકવાને બદલે આગળ-પાછળ દોડાવી, પોલીસની બાઇકને કચડી નાખી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તેણે પહેલાં બાઇકને ટક્કર મારી અને પછી પોલીસકર્મીઓને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા. પોલીસે હિંમત બતાવીને ગાડીમાં ઘૂસી તેને રોકી અને મહંમદ હમજાની ધરપકડ કરી.
પોલીસ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપી કાર ચાલકે તેનું નામ મહંમદ હમજા ઉર્ફે મુલ્લા જમાલુદ્દીન શેખ હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી પોલીસે 58.100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો, જેનું અંદાજીત બજાર મૂલ્ય 5.81 લાખ રૂપિયા થતું હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આરોપી મુલ્લા શેખની ધપકડ કરી વધુ પૂછપરછ આદરી હતી અને આ દરમિયાન તેણે કબુલ્યું હતું કે તે મકબુલ ખાન પઠાણ નામના શખ્સ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે તે એમ.ડી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. હવે તેની પાસે નશો કરવા માટે રૂપિયા ન હોવાથી બે વર્ષથી એમડી ડ્રગ્સનું વેચાણ કરી કમિશન લેતો હતો.