અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર વધુ રફ્તારનો કહેર સામે આવ્યો છે. શહેરના નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 22 વર્ષના અકરમ કુરેશી અને 35 વર્ષના અશફાક અજમેરી, બંને જમાલપુરના રહેવાસી હતા અને એક્ટિવા પર સવાર થઈને નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાન રસ્તા પર આવતા GJ27DM9702 નંબરની એક કારના ચાલકે ઝડપે કાબૂ ગુમાવતાં બંને યુવકોને જોરદાર ટક્કર મારી હતી.બન્ને મિત્ર અશફાક અજમેરી (ઉં.વ. 22, રહે. જમાલપુર) અને તેના મિત્ર અક્રમ કુરેશી (ઉં.વ. 35, રહે. જમાલપુર) એક્ટિવા (GJ01PX9355) પર નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, રાતના લગભગ 1:30 વાગ્યે તેઓ મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બ્રેઝા (GJ27DM9702) કારએ તેમને જોરદાર ટક્કર મારી. આ ઘટનામાં એક્ટિવા સીધી જ બીઆરટીએસના રેલિંગમાં ઘુસી ગઈ હતી.
ટક્કરના પરિણામે અક્રમ કુરેશીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ અશફાક અજમેરીને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા N ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસે આ મામલે બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.હાલ બ્રેઝા કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.