અમદાવાદ : સામાન્ય રીતે કોઈ નેતાઓ ધારાસભ્ય કે સાંસદ બની જતા હોય છે ત્યારબાદ પ્રજાના પ્રશ્નોને ભૂલી જાય છે. ખુરશી મળી ગઈ એટલે તમે કોણ અને અમે કોણ ? અને જો ભૂલથી પણ કોઈ નેતા પહોંચી જાય તો પછી તે બધાએ પ્રજાના રોષનો ભોગ બનવું પડે છે. અને આવું જ કંઈક અમદાવાદમાં બન્યું છે. દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરો પ્રજા વચ્ચે પહોંચ્યા હતા. નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ પહોંચ્યા અને ત્યાંના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી. અને તે બાદ સામસામે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અને મામલો વધારે બગડ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો સ્થાનિકોની સમસ્યા જાણવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટરો ફોન ના ઉપડતાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. જેને કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા અને ઉગ્ર ભાષામાં લોકો સાથે વાત કરી હતી. જોકે, આ ઘટના બાદ લોકોને મળ્યા વિના ભાજપના નેતાઓ ફોટો પડાવીને નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલાને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હોવાની ઘટના બની હતી. સ્થાનિકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતાં હોવાને લઈને ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા સામે ઉગ્ર રજૂઆત કરી હતી. અસારવાની જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબહેન અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે રોડ, પાણી, ગટરના કોઈ કામો થતા નથી.