અમદાવાદ : અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક BRTSના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કૃષ્ણનગરમાં વહેલી સવારે રસ્તો ક્રોસ કરતા આધેડને BRTS બસે ટક્કર મારતા તેમનું સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. હાલ તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના કૃષ્ણનગર BRTS બસ સ્ટેશનના ટ્રેકમાંથી નરેન્દ્રસિંઘ બત્રા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે આવી રહેલી BRTS બસે નરેન્દ્રભાઈને ટક્કર મારી હતી.ટક્કર વાગતા નરેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતા જ બસનો ડ્રાઈવર બસ મુકીને નાસી ગયો હતો.ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું.ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી.
સારવાર માટે એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી, પરંતુ ડોકટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા. ઘટનાસ્થળે ભારે ભીડ જમા થતાં પોલીસએ ભીડને કાબૂમાં લીધી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બસચાલકે પૂરજોશે બસ હંકારી રહી હતી અને વૃદ્ધને રસ્તા પર જોઈને પણ બસ ધીમી નોતી પાડી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રસ્તાની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.